ખોલ તું
આભ આખું રાહ જોતું, બંધ બારી ખોલ તું,
ભીતરે જે સંઘરી છે, એ પિટારી ખોલ તું.
બીજ વાવ્યાં’તાં સપનનાં, ધૂળમાં ઢંકાઈ ગ્યાં,
ઓસ વરસાવે ગગન, લે, ફૂલ-ક્યારી ખોલ તું.
ક્યાં સુધી માથે ઉપાડી રાખશે ગઈ કાલને?
ને ઉતારી નાખ, જૂની વેર-ભારી ખોલ તું.
ભોંય સૂકી, છોડ ભૂખ્યા, રાહ જોતા છે બધા,
આજ તો વરસાવ કરુણા, આંખ-ઝારી ખોલ તું.
બંધ ફૂલોમાં ‘પરાગે’ ગૂંગળાવું ક્યાં સુધી?
છોડ મ્હેકોને હવામાં, આ અટારી ખોલ તું.
– પરાગ રતનપરા
#ગઝલ #મુક્તિ #ખુલ્લુંમન #ક્ષમા #કરુણા #પરાગરતનપરા
#GujaratiGhazal #OpenUp #LetGo #Forgiveness #Compassion #ParagRatanpara