ખેવણહાર
મનવા, મેલ ને માથેથી ભાર રે,
તારી નાવડીનો હરિ ખેવણહાર રે.
કોણે શીખવી ફૂલને ખુશ્બૂ, કોણે ઝરણને ગાવું?
કોણે કીધું દીવડાને કે અંધારે ઝળકાવું?
વણ પૂછ્યે જે આભ ઉગાડે, એ જ તારો આધાર રે…
મનવા, મેલ ને…
નદી કદી ના નકશો માગે, દરિયો તોય એ પામે,
પંખી ક્યાંય ના પાથરે ભાથું, સાંજ પડે ઘર સામે;
તું જ શીદને ગણતરી ગણે ને ગૂંથે રોજ વિચાર રે…
મનવા, મેલ ને…
પરાગ કહે: મેં હલેસાં છોડ્યાં, વાયરે છોડ્યો સઢ,
જે દિ’ ‘હું’નું પોટલું ફેંક્યું, હળવો થયો રે ગઢ;
હવે ભરતી કે ઓટ, બધું યે શ્યામ તણો શણગાર રે…
મનવા, મેલ ને…
– પરાગ રતનપરા