ખરખરો
હાર મૂકી, હાથ જોડી, સાવ ખોટો ખરખરો,
સ્ટેટસે મૂક્યો તરત સૌએ ય ફોટો ખરખરો.
જીવતા’તા ત્યાં સુધી પૂછ્યું ન એકે ‘કેમ છો?’
ને મરણ પાછળ થયો જેનો ન જોટો ખરખરો.
શેઠ જ્યારે જાય, આવે ગામ આખું બેસણે,
રંકને ત્યાં બે જણા ને એક લોટો ખરખરો.
સૌ ગયા ત્યારે રડી બા ઓસરીના ખૂણમાં,
એ જ સાચો શોક, બાકી સૌ ય ગોટો ખરખરો.
જીવતાંના હાલ પૂછો, વાત સીધી છે, ‘પરાગ’,
એ પછીનો તો બધો બસ, ભાઈ, મોટો ખરખરો.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #બેસણું #દેખાડો #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #CondolenceCulture #ShowOff #CareForTheLiving #ParagRatanpara