ખમાવું છું
ખમજો રે, ખમજો મારા ભાઈ, જાણ્યે અજાણ્યે જે દુભવ્યા,
મારા બોલે જેનાં કાળજાં કોઈ દિ’ કાંટા થઈને ખૂંચ્યા.
વાડ વચ્ચે ઊભી કરી મેં, ખેતર બેઉ સરખાં તોય,
વરસો સુધી વાત ન કીધી, આંસુ વચ્ચે ઊભું કોય;
આજે એ વાડ ઉખેડી નાખું, કાંટા સઘળા મેં જ ઊંચક્યા…
ખમજો રે…
કીડી કચડી ચાલ્યો હોઉં, પાણી ઢોળ્યું હોય અમસ્તું,
ગરવી માની વાત ઉથાપી, બોલ્યો હોઉં કાંઈ સસ્તું;
ક્ષમા માગતાં હળવો થાઉં, ભારે પગલાં પાછાં ઊપડ્યાં…
ખમજો રે…
પરાગ કહે: વેર તો રાખ્યું, એટલે રાખ્યો ભાર,
ક્ષમા માગીને જોયું તો ખૂલ્યાં સૌ બંધ દ્વાર;
અહમની ગાંઠ છૂટી ત્યાં તો હૈયે નવાં ફૂલ ઊગ્યાં…
ખમજો રે…
– પરાગ રતનપરા