ખબર નથી
મને ખબર નથી
હું તને ક્યારથી ચાહું છું.
કદાચ
તે દિવસથી
જ્યારે બસમાં
તેં તારી બાજુની ખાલી સીટ પરથી
તારી થેલી ઉઠાવી લીધી હતી,
કશું બોલ્યા વગર.
કદાચ
તે દિવસથી
જ્યારે વરસાદમાં
તારી છત્રી
અડધી મારી તરફ નમી હતી.
કદાચ
તે દિવસથી પણ નહીં.
પ્રેમ
કોઈ તારીખ પર ઊગતો નથી,
એ તો
ચોમાસામાં ભીંત પર ફૂટેલી
લીલી ફૂગ જેવો છે —
કોઈ એક દિવસ ધ્યાન જાય
ત્યારે ખબર પડે
કે આખી ભીંત
ક્યારની
લીલી થઈ ગઈ છે.
– પરાગ રતનપરા