← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખારવણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ખારવો ગ્યો છે દરિયે, ને ખારવણ ગણે છે મોજાં,
એક એક મોજે ઊછળે એના હૈયામાં સો બોજા.

સાંજ પડી ને પવન ફર્યો, આભે કાળી વાદળી,
ઝૂંપડીએ ફાનસ બાળીને બેઠી એ જાળ સાંધતી;
જાળનાં કાણાં સંધાય, પણ કાળજાનાં કેમ સાંધું?
દરિયાદેવ, તને કરગરું: મારો ભરથાર પાછો માગું…
ખારવો ગ્યો છે દરિયે…

માછલીઓ તો વેચી દઉં હું બજારે ભાવ કરીને,
પણ દરિયો તો લઈ જાય છે મારો જીવ ચોરીને;
છોકરું પૂછે: ‘બાપુ ક્યારે?’ હું કહું: ‘ભરતી ટાણે’,
ભરતી આવે, ઓટ પડે, પણ સાચું દરિયો જાણે…
ખારવો ગ્યો છે દરિયે…

પરાગ કહે: દરિયો તો આપે માછલાં ને મોતી,
બદલામાં એ લઈ લે આખા ગામની જાગતી જ્યોતિ;
પરોઢે જ્યારે સઢ દેખાયો, ખારવણ દોડી કાંઠે,
આખો દરિયો હસી પડ્યો એની ભીની આંખને આંટે…
ખારવો ગ્યો છે દરિયે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમુબારકઆગલો લેખ →આવડે