ખાલી વાંસળી
પોલી તોયે ગાતી વાંસળી, કાનાને હોઠે ચડી,
ભરી મટકી ફૂટી ગઈ, ને ખાલી વાંસળી જડી.
વનમાં ઊગ્યો વાંસ હું સૂકો, ના ફળ, ના કોઈ ફૂલ,
છાતીએ જ્યાં છેદ પડ્યા સાત, ત્યારે થયો અણમૂલ;
ઘાવ ઘાવથી સૂર ઝરે, એ કોની કળા ઘડી?…
પોલી તોયે…
ગોપી પૂછે: ‘રૂપ અમારું, માખણ, મટકી, મેળો,
તોય કાનો તને જ ચૂમે, તું શું જાણે ખેલો?’
વાંસળી બોલી: ‘હું તો ખાલી, “હું”ને મેલી પડી.’…
પોલી તોયે…
પરાગ કહે: જો ભીતર ભર્યું હો અભિમાનનું ભારું,
તો ગિરધર ક્યાંથી ગાય? ક્યાંથી વાગે સૂર સારું?
ખાલી થા, તો હોઠે લેશે, વાગીશ ઘડી ઘડી…
પોલી તોયે…
– પરાગ રતનપરા