← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખાડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારી શેરીમાં
એક ખાડો છે.

ચોમાસામાં તળાવ બને,
ઉનાળામાં ધૂળની વાવ,
ને ચૂંટણી આવે ત્યારે
થોડા દિવસ
ડામરની ચાદર ઓઢીને
સૂઈ જાય.

પરિણામ આવે,
ચાદર ખસી જાય,
ને ખાડો
પાછો આંખ ઉઘાડે.

લોકો હવે એને
નામથી બોલાવે છે.
બાળકો એમાં
કાગળની હોડી તરાવે છે,
ને વૃદ્ધો
એને જોઈને
વીતેલાં વર્ષ ગણે છે.

આ મંદીમાં
બધું ઘટ્યું —
પગાર, બચત, આશા.

બસ,
એ ખાડો જ
વર્ષે વર્ષે
વધતો રહ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખક્યાં છે કાના?આગલો લેખ →છાંયડો