કેસૂડો
કેસૂડે કેસૂડે ફાગણ ફોર્યો, વગડે લાગી લ્હાય,
સાંવરિયા, તારી પિચકારીમાં મારું મન રંગાય.
ખાખરાની ડાળે ડાળે બેઠી કેસરિયાળી સાંજ,
કોયલ ટહુકે, મનડું મહેકે, વાગે ઢોલ ને ઝાંઝ;
લાજની ઓઢણી સરકી જાય, રંગની છોળ ઊડાય…
સાંવરિયા, તારી પિચકારીમાં…
ગાલે ગુલાલ, ને આંખે કાજળ, હોઠે હસતો ફાગ,
રાધા રૂઠી, શ્યામે મનાવી, જાગ્યો સૂતો રાગ;
ગામની ભાગોળે ધૂળ ઊડે ને આભ ગુલાબી થાય…
સાંવરિયા, તારી પિચકારીમાં…
પરાગ કહે: આ રંગ તો ધોયે એક જ દિવસે જાય,
પણ જે રંગ ચડ્યો છે હૈયે, એ જનમોજનમ રહી જાય;
વરસોવરસ આ ફાગણ આવે, પ્રીત નવી થઈ ગાય…
સાંવરિયા, તારી પિચકારીમાં મારું મન રંગાય.
– પરાગ રતનપરા