← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેસૂડાનો ચોર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેસૂડાની ડાળે બેઠો ફાગણ રંગીલો મોર,
રંગ ઢોળવા આવ્યો મારે આંગણ છાનો ચોર.

વાડે વાડે ખાખરા ફૂટ્યા, ઝાળ લાગી વગડે,
પવન પીંછી લઈને દોડે, સીમ આખી રંગડે;
ધૂળ ઊડે ને ગુલાલ થાતી, ગામ થયું ગુલફોર…
રંગ ઢોળવા આવ્યો…

પાણિયારે પિત્તળની હેલ્ય, હેલ્યમાં કેસર ઘોળ્યું,
સાહ્યબાએ છાનામાના મારું પાનેતર બોળ્યું;
લાજ કાઢું તો ય ભીંજાઉં, એનું ક્યાં ચાલે જોર?
રંગ ઢોળવા આવ્યો…

પરાગ કહે: આ ફાગણ ચોર નહીં, એ તો શાહુકાર,
એક દિવસનો રંગ દઈને લે છે ભવનો ભાર;
કોરી રહી ગઈ જે ચૂંદડી, એનો સાંભળે કોણ શોર?
રંગ ઢોળવા આવ્યો મારે આંગણ છાનો ચોર.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહાલો મેળેઆગલો લેખ →આવ્યું આખરે