કેડીએ
હતો ઝાકળ, હતો તડકો, સુરીલો રાગ કેડીએ,
તમે જો સાથ હો, તો આ બને છે બાગ કેડીએ.
હજી માંડ્યું હતું ડગલું, તમે લાંબી કરી કેડી,
ગણીને ચાલવું, એ પણ લખેલો ભાગ કેડીએ.
હતી કાળી અમાસી રાત, ને ફૂંફાડતા સૌ ભય,
તમારાં ઝાંઝરે થંભી ગયો'તો નાગ કેડીએ.
ઘણી ઠોકર, ઘણા છાલા, ઘણું ચાલ્યા અમે સાથે,
બધા મીઠા લગે છે આજ એના દાગ કેડીએ.
પરાગે આખરે જાણ્યું, ન મંઝિલ, ના કશું અંતર,
ચલું છું એટલા માટે, મને અનુરાગ કેડીએ.
– પરાગ રતનપરા
#ગઝલ #કેડી #સફર #પ્રેમ #સંગાથ #પરાગરતનપરા
#GujaratiGhazal #Footpath #Journey #LoveOnTheWay #Companionship #ParagRatanpara