← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેડી થઈ ગઈ ઘેલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેડીએ તારાં પગલાં પડ્યાં ને કેડી થઈ ગઈ ઘેલી રે,
ધૂળ ઊડે તો ગુલાલ લાગે, સીમ લાગે અલબેલી રે.

ખેતરને શેઢે બાજરો ઝૂલે, તું ભાતું લઈને આવે,
તારા ઝાંઝરને રણકારે મોરલો ટહુકા લાવે;
પગલું પગલું ઝીલી રાખું, ભરી ભરીને હથેળી રે…
કેડીએ તારાં…

વરસાદે ધોયાં પગલાં, ને કેડી રુએ આખી રાત,
વહેલી પરોઢે તું નીસરી, ને ફરી માંડી એણે વાત;
લીલી લીલી ધરો ઊગી, જાણે મેંદી મેલી રે…
કેડીએ તારાં…

પરાગ કહે: પગલાં તો ભૂંસાય, ના ભૂંસાય એની છાપ,
હૈયાની કેડીએ જે ચાલ્યું, એનું કોણ કરે માપ?
જનમ જનમ લગ ચાલી રહેશે, એ કેડી અલબેલી રે…
કેડીએ તારાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબોલ્યો નહીંઆગલો લેખ →દુઆ