← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતા વિશે ત્રણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

(૧)
કવિતા
ચાવી નથી;
એ તો તાળામાં
પડેલી
એક ઝીણી તિરાડ છે,
જ્યાંથી
ઓરડાનું અજવાળું
બહાર દેખાય છે.

(૨)
મેં કવિતાને પૂછ્યું:
‘તું ક્યાં રહે છે?’
એ બોલી:
‘તું જે વાત
કોઈને કહી નથી શકતો,
ત્યાં —
એના પડોશમાં.’

(૩)
દુનિયા કહે છે:
કવિતાથી પેટ ભરાતું નથી.
સાચું.
પણ ભૂખ્યા પેટે
રાત કાઢવાની
હિંમત
ઘણી વાર
એમાંથી જ મળે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝંઝાવાતઆગલો લેખ →ખરી શ્રીમંતાઈ