← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતા લખવા બેઠો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજે તો નક્કી કર્યું —
કવિતા લખવી જ.
કાગળ લીધો, પેન લીધી,
બારી ખોલી,
ચંદ્ર શોધ્યો.

ત્યાં જ શ્રીમતીજી બોલ્યાં:
‘દૂધ લેતા આવજો, ને કોથમીર પણ.’

પાછો આવ્યો,
ફરી બેઠો,
પ્રથમ પંક્તિ સૂઝી —
‘ચાંદની…’
ત્યાં લાઇટ ગઈ.

મીણબત્તી શોધી,
બીજી પંક્તિ સૂઝી,
ત્યાં બાબાનું હોમવર્ક,
ને બેબીનું ‘પપ્પા, વાર્તા’.

રાતે બાર વાગ્યે
કાગળ જોયો —
ઉપર ‘ચાંદની…’
ને નીચે શ્રીમતીજીના અક્ષરે:
‘દૂધ, કોથમીર, લીંબુ, આદુ.’

સવારે સમજાયું —
કવિતા તો લખાઈ ગઈ હતી,
બસ, મારી નહીં,
ઘરની.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅરીસો પૂછેઆગલો લેખ →મારા ગયા પછી