કવિતા ક્યારે આવે?
કવિતા લખવા
મેં ટેબલ સાફ કર્યું,
નવી પેન લીધી,
ચા મૂકાવી,
બારી ખોલી,
ને ચંદ્ર સામે તાક્યું.
કવિતા ન આવી.
બીજે દિવસે
વીજળીનું બિલ ભરવા
લાઇનમાં ઊભો હતો,
ત્યાં આગળવાળા કાકાના
ખભા પર એક પતંગિયું બેઠું.
કવિતા આવી —
પણ મારી પાસે
પેન નહોતી.
ત્યારથી
હું ખિસ્સામાં પેન રાખું છું,
ને પતંગિયાં
હવે
બિલની લાઇનમાં
આવતાં નથી.
કવિતા અને પતંગિયું —
બંને
તૈયારી જોઈને
ઊડી જાય છે.
– પરાગ રતનપરા