કવિતા એટલે
કવિતા એટલે
વિદ્વાનોની સભામાં
ગોળ ગોળ ફરતી
મોટી મોટી પાઘડીઓ નહીં.
કવિતા એટલે
બાની આંખ નબળી પડે ત્યારે
સોયમાં દોરો પરોવી આપતી
પૌત્રીની નાનકડી આંગળી.
કવિતા એટલે
વરસાદ પછી
ખેતરના શેઢે ઊભેલા
બાપુજીનું
કશું ન બોલવું.
કવિતા એટલે
ટપાલમાં આવેલું
દીકરાનું
એક જ વાક્ય —
‘અહીં બધું બરાબર છે.’
અને માનું
એ વાક્યને
આખી રાત
વાંચ્યા કરવું.
બે અક્ષર
આનંદના પડે,
બે આંસુ
સાચાં પડે —
બાકી તો
શાહી છે, કાગળ છે,
ને તાળીઓ છે.
– પરાગ રતનપરા