કલાઈવાળો
વર્ષો પછી
શેરીમાં સાદ પડ્યો:
‘કલાઈ…
વાસણ કલાઈ…’
બાનાં
પિત્તળનાં તપેલાં,
પાળી ઘસાયેલો લોટો,
કાળી પડેલી કડાઈ
માળિયેથી ઊતર્યાં.
કલાઈવાળાએ
ભઠ્ઠી સળગાવી,
નવસાર છાંટ્યો,
ને ચાંદી જેવી કલાઈ
વાસણ પર ફેરવી.
ધુમાડામાંથી
વાસણ નીકળ્યાં —
ચકચકતાં,
જાણે બા
હમણાં જ
એમાં દૂધ ગરમ કરવાની હોય.
કલાઈવાળો
પૈસા લઈ ચાલ્યો ગયો.
હું
ચકચકતા લોટામાં
મારું મોં જોતો રહ્યો.
વાસણો પર તો
કલાઈ થઈ ગઈ,
પણ
બા વિનાના આ ઘરને
કયો કલાઈવાળો
ફરી ઉજાળશે?
– પરાગ રતનપરા