કબૂલાત
હા, હું કબૂલું છું —
હું ચોર છું.
મેં બાના હાલરડામાંથી લય ચોર્યો,
બાપુની ખાંસીમાંથી મૌન,
ગામના પાદરેથી ધૂળ,
ને પ્રિયાની પાંપણેથી
એક અટકેલું આંસુ.
પછી એ બધું
કાગળ પર ગોઠવીને
નીચે
મારું નામ લખી દીધું.
સૌએ તાળીઓ પાડી.
કોઈએ ન પૂછ્યું
કે માલ કોનો છે.
એટલે જ કહું છું,
કવિ જેવો પ્રામાણિક ચોર
બીજો કોઈ નથી —
એ ચોરે છે થોડા લોકો પાસેથી,
ને પાછું આપી દે છે
આખા જગતને.
– પરાગ રતનપરા