કાનુડા, તેં ગાગર ફોડી
કાનુડા, તેં ગાગર ફોડી, ભીંજવી મારી ચોળી,
ગામ આખું વાતો કરે છે, હવે શું કહું રે ભોળી?
જમનાને કાંઠે પાણી ભરતી, ઊભી’તી હું એકલડી,
કદંબ પરથી કાંકરી આવી, ફૂટી ગઈ મારી માટલડી;
હસી પડ્યો તું ડાળ ઉપરથી, હું શરમાઈ ને દોડી…
કાનુડા, તેં ગાગર…
ઘેર ગઈ તો સાસુ પૂછે, ‘ક્યાં ગઈ તારી હેલ?’
મેં કીધું કે પગ લપસ્યો’તો, જૂઠનો કીધો ખેલ;
પણ આંખ્યુંમાં તારું નામ વંચાયું, લાજે થઈ ગઈ થોડી…
કાનુડા, તેં ગાગર…
પરાગ કહે: આ ગાગર નહીં, ફૂટ્યું ગોપીનું માન,
ખાલી થઈ ત્યાં ભરાઈ ગઈ એ, ભરાઈ ગયો ભગવાન;
જેની ગાગર કાનો ફોડે, એની કિસ્મત જોડી…
કાનુડા, તેં ગાગર…
– પરાગ રતનપરા