← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છેલ્લી લીટી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૉસ્પિટલના ઓરડામાં
બાના માથા પાસે
એક નાનું મશીન
લીલી લીટી દોરતું હતું —
ઊંચી, નીચી, ઊંચી, નીચી.

અમે સૌ
એ લીટી સામે જોતા રહ્યા,
જાણે
બાના ધબકારા નહીં,
અમારી પ્રાર્થનાઓ
ઊંચીનીચી થતી હોય.

પછી
એક લાંબી સીટી વાગી,
ને લીટી સીધી થઈ ગઈ.

નર્સે મશીન બંધ કર્યું.

મને થયું,
આખી જિંદગી
જેણે અમારા વાંકાચૂકા રસ્તા
સીધા કર્યા,
એણે છેલ્લે
પોતાની લીટી પણ
સીધી કરી નાખી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાનુડા, તેં ગાગર ફોડીઆગલો લેખ →હવામાં