કાંટો
ગામમાં
હવે ઘેર ઘેર નળ છે.
વાવે
કોઈ પાણી ભરવા જતું નથી,
એટલે
કોઈને કેર કાંટો વાગતો નથી.
દાદીમા કહે છે:
‘સારું થયું.’
પણ સાંજે
ઓટલે બેસીને
એ પોતાનો અંગૂઠો
પંપાળ્યા કરે છે —
જ્યાં સાઠ વરસ પહેલાં
કાંટો વાગ્યો હતો,
ને સહિયરે
માથાની પિન વડે
એ કાઢ્યો હતો,
ને ગીત ગાતાં ગાતાં
બેય હસી પડી હતી.
નળ
પાણી આપે છે, દીકરા,
પણ
સહિયર ક્યાંથી લાવે?
– પરાગ રતનપરા