કાણાવાળો થેલો
મારા થેલામાં
એક કાણું છે.
એમાંથી
રોજ થોડું થોડું
ખરતું જાય છે —
કાલની ચિંતા,
પરમ દિવસનો ગુસ્સો,
ગયા વરસનું રિસામણું.
લોકો કહે:
‘થેલો સંધાવી લે,
નહીં તો બધું ખોઈ બેસીશ.’
હું હસું છું.
એમને ક્યાં ખબર
કે આ કાણું જ
મારી હળવાશનું
બારણું છે.
– પરાગ રતનપરા