← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાનાને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાના,
તું ભૂલ્યો તો નથી ને?

ગોકુળ હવે
ફ્લેટોનું નગર થઈ ગયું છે,
ગાયો
પ્લાસ્ટિક ખાઈને
રસ્તા વચ્ચે બેઠી છે,
જમના
કાળી પડી ગઈ છે —
કાલિયો નાગ નહીં,
આપણે.

ગોપીઓ
ફોનમાં ખોવાઈ ગઈ છે,
ને ગોવાળિયા
ભીડમાં.

છતાં
જન્માષ્ટમીની મધરાતે
એક બાળક
માટલી ફોડવા
પિરામિડ પર ચડે છે,
ને આખી શેરી
એકસાથે શ્વાસ રોકે છે.

ત્યારે મને લાગે છે,
કાના,
તું ભૂલ્યો નથી.
અમે જ
ક્યારેક યાદ કરીએ છીએ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસપનામાંઆગલો લેખ →પ્રણયનો રસ્તો