કાના, આજ આવે તો
કાના, આજ તું આવે તો તને સાચો જાણું,
વાંસળી લઈને આ ગોકુળમાં ગાય તો માણું.
જમનાજીનાં નીર થયાં છે કાળાં ને મેલાં,
ગાયું ચરે પ્લાસ્ટિક, ને ગોવાળ થયા છે ઘેલા;
મટુકી ફોડે કોણ? હવે તો માખણ પૅકેટવાળું…
કાના, આજ…
ચીર પૂરવા દોડ્યો’તો તું, એક જ સાદ સુણીને,
આજે તો સો દ્રૌપદી રડે, કોઈ ન આવે દોડીને;
સભામાં બેઠા સૌ ભીષ્મો, મોં પર મૌનનું તાળું…
કાના, આજ…
પરાગ કહે: તું ક્યાંય ન જાતો, ભીતર બેઠો શ્યામ,
જ્યાં કોઈ ભૂખ્યાંને જમાડે, ત્યાં જ તારું ધામ;
આંખ ખોલું તો દીઠો, બાકી સઘળું અંધારું…
કાના, આજ…
– પરાગ રતનપરા