કાળીનાગ
દડો ગયો જમનાને ધરે, ને કાનો કૂદ્યો નીર,
ગોકુળ આખું થરથર ધ્રૂજે, ઊભું જમનાને તીર…
ગોવાળિયા સૌ રડતા દોડ્યા, ‘યશોદા, આવ, ઓ માત!’
નંદબાબા ધબકતા ઊભા, બોલે નહીં કંઈ વાત;
રાધા પાંપણ ઢાળીને બેઠી, ખોઈ બેઠી ધીર…
દડો ગયો…
નીર ઊકળ્યાં, વમળ ઊઠ્યાં, ફૂંફાડે કાળીનાગ,
ને પળમાં તો ફેણ ઉપર નાચે શ્યામનો રાગ;
ફેણે ફેણે પગલાં પડ્યાં, ઊતર્યું ઝેરનું તીર…
દડો ગયો…
પરાગ કહે: આ ભીતરના ધરામાં ય બેઠો એક નાગ,
કાનો આવી નાચે ત્યારે જ ઊતરે ઝેરી આગ;
ત્યારે આપણે ય થઈએ પાવન જમનાનું નીર…
દડો ગયો…
– પરાગ રતનપરા