કાચો ઘડો
કાચી માટીનો ઘડો રે ભાઈ, કાચી માટીનો ઘડો,
ઘડનારો તો ચાકડે બેઠો, તું શાને અભિમાને ચડ્યો?
ટીપી ટીપી ઘાટ ઘડ્યો ને આપ્યો નિભાડે તાપ,
રંગ ચડાવી હાટે મૂક્યો, બોલાયું તારું માપ;
ઠેસ વાગશે, ઠીકરાં થાશે, પછી ન તું ક્યાંય જડ્યો…
કાચી માટીનો ઘડો રે ભાઈ…
કોઈએ ભર્યું અમરત એમાં, કોઈએ ભરી રેત,
કોઈએ ભર્યું ગંગાજળ ને કોઈએ ભર્યું હેત;
ખાલી ઘડો જ ખખડે ઝાઝો, ભર્યો તો મૂંગો પડ્યો…
કાચી માટીનો ઘડો રે ભાઈ…
પરાગ કહે: જે માટીનો તું, એ જ માટીમાં ભળશે,
કુંભારનો ચાકડો ફરશે, નવો ઘડો ત્યાં ઘડશે;
જીવ્યો ત્યાં લગ ઠંડક દેજે, જે તરસ્યો તને અડ્યો…
કાચી માટીનો ઘડો રે ભાઈ, કાચી માટીનો ઘડો.
– પરાગ રતનપરા