કાચનો
સાવ ખુલ્લો, પારદર્શક ઓટલો છે કાચનો,
હાથમાં ખણકે તમારો ચૂડલો છે કાચનો.
છોકરાએ કાંકરી ફેંકી, જળે તો ચાંદની,
ખળભળીને તૂટતો એ ચાંદલો છે કાચનો.
ના કદી ટહુકો કરે, ના નાચતો વરસાદમાં,
સોનપિંજરમાં સજેલો મોરલો છે કાચનો.
જિંદગીભર જે છુપાવ્યો ગાંઠમાં મેં પ્રેમથી,
જોહરી બોલ્યો હસીને, હીરલો છે કાચનો.
ભીતરે જે જ્યોત ઝળકે, સૌ જુએ છે, હે ‘પરાગ’,
આયખું મારું જ જાણે દીવલો છે કાચનો.
– પરાગ રતનપરા
#ગઝલ #કાચ #નાજુકતા #પારદર્શકતા #ભ્રમ #પરાગરતનપરા
#GujaratiGhazal #Glass #Fragility #Transparency #Illusion #ParagRatanpara