કાચની ક્ષણ
ક્યારેક
એક ક્ષણ
બારીના કાચ જેવી હોય છે —
એની આરપાર
આખું આયખું દેખાય.
બાને દવાખાને મૂકીને
પાછો ફરતો હતો
ત્યારે રિક્ષાના અરીસામાં
મેં મારું મોં જોયું —
ને પહેલી વાર
એમાં બાપુજી દેખાયા.
વર્ષો તો
ધૂળ જેવાં હોય છે,
એક ઝાપટે ઊડી જાય.
પણ આવી એક ક્ષણ
કાચ પર પડેલી
ઝીણી તિરાડ જેવી હોય છે —
પછી જે કંઈ જોઉં
એ બધું
બે ટુકડામાં દેખાય.
– પરાગ રતનપરા