← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાચની ચૂડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓરડે ખણકે કાચની ચૂડી, ને સાયબો દરિયાપાર,
રણકે રણકે પૂછે મુજને: ‘ક્યારે આવશે ભરથાર?’

વેળા વીતી, વરસ વીત્યાં, કેટલી વીતી રાત,
ચૂડી કરતી ખણખણ ખણખણ, હું ન કરું કંઈ વાત;
ભીંતે ટાંગ્યા ફોટા પાસે રોજ ધરું હું હાર…
ઓરડે ખણકે…

એક દિ’ ચૂડી ઠેસે ફૂટી, હૈયું ગયું રે ફાટ,
કાચ વીણતાં આંગળી દાઝી, લોહી ટપક્યું વાટ;
સાસુ બોલ્યાં: ‘અપશુકન છે’, હું ના બોલી લગાર…
ઓરડે ખણકે…

પરાગ કહે: ચૂડી ફૂટે તો નવી પહેરાય, બેન,
પણ જે રણકો કાળજે ફૂટે, ક્યાંથી લાવીએ ચેન?
કાચ બધા વીણી લીધા, પણ ખૂંચે છે હરવાર…
ઓરડે ખણકે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખબાપની પરછાંયઆગલો લેખ →નગરમાં