કૉપી-પેસ્ટ
મેં લખેલા શેર નીચે કોઈ બીજું નામ છે,
રાતભર જાગ્યો હતો હું, ને સવારે આમ છે!
ફોનમાં ફરતી રહી છે વેદના મારી બધે,
દાદ ગાલિબને મળે, મારા નસીબે કામ છે.
સૌ સવારે ફૂલ સાથે શેર મારો મોકલે,
ને લખે નીચે ‘અનામી’, દર્દ પણ બેનામ છે.
કોઈ ના પૂછે કદી કે શેર કોનો છે, ભલા,
ફોનની આ ભીડમાં તો ચોરને આરામ છે.
એક અંગૂઠે ફરે છે ગામથી પરદેશ લગ,
વેદના મારી બજારે આજ ઊંચે દામ છે!
આ પરાગે નામ સાથે મ્હેક પણ બીડી હતી,
નામ ભૂંસી નાખશો, પણ મ્હેક તો બેફામ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #કૉપીપેસ્ટ #સાહિત્યચોરી #સોશિયલમીડિયા #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #CopyPaste #Plagiarism #SocialMedia #ParagRatanpara