← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોયા વિનાનું વહાલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા, મેં તને જોઈ નથી, તો યે બહુ સાંભરી જાય,
લોક કહે: ‘હસે છે તો એ, એની મા જેવો દેખાય.’

દાદી કહે: ‘તારી મા ગાતી'તી પરભાતિયાં મીઠાં,’
હું યે ગાઉં, તો દાદીની આંખે આંસુ દીઠાં;
મારા સૂરમાં તું જીવે છે, દાદી એમ સમજાય…
મા, મેં તને જોઈ નથી…

બાપુ તારી છબી સામે દીવો મૂકે રોજ સાંજે,
હું યે પાસે બેસી પૂછું: ‘મા, તું ક્યાં છે આજે?’
બાપુ કહે: ‘તારી આંખે’, ને અરીસો મલકાય…
મા, મેં તને જોઈ નથી…

પરાગ કહે: મા જોઈ ન હોય, તો યે મા ક્યાં જાતી?
દીકરાના હૈયે બેસી, એ જ હાલરડું ગાતી;
જોયા વિનાનું વહાલ પણ ભીતર લીલું થાય…
મા, મેં તને જોઈ નથી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપોકારેઆગલો લેખ →હળવું મન