જોયા કરે
હું નથી ઘરમાં છતાં આ ઓરડો જોયા કરે,
છાપરે બેસી, હજી એ કાગડો જોયા કરે.
બાપુજીના હાથના અક્ષર હજી એમાં હસે,
કોણ લેણું, કોણ દેણું? ચોપડો જોયા કરે.
ખાટલે સૂતા પિતા, ને આંખમાં ઝાંખી નજર,
માત્ર બારીથી ગગનનો ટૂકડો જોયા કરે.
ટાવરોની ટોચથી ધનવાન નીચે નીરખે,
ને તળે ભૂખ્યો ખડો આ ઝૂંપડો જોયા કરે.
ફૂલ ખરતું જોઈને આ બાગમાં તો, ઓ ‘પરાગ’,
એકલો ખાલી પડેલો બાંકડો જોયા કરે.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #સ્મૃતિ #સૂનુંઘર #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #Memories #EmptyHouse #Loneliness #ParagRatanpara