જોઈએ
ભૂખ ભાંગે એટલું બસ એક ભાણું જોઈએ,
રાત ઠારે એટલું બસ એક ગાણું જોઈએ.
મ્હેલ મોટા હો ભલે ને રેશમી પડદા ભલે,
ઓસરીમાં સાંજ ઢળતાં એક ટાણું જોઈએ.
લોન લઈને ઘર સજાવ્યું, ઊંઘ ઊડી રાતની,
ઊંઘ આવે એટલું તો શુદ્ધ નાણું જોઈએ.
રાતભર ખાંસ્યા કરે ને બાપુ બોલે ધીમથી:
આંખ મીંચું એ પહેલાં આ વહાણું જોઈએ.
જિંદગીને આ પરાગે પૂછતાં, બોલી હસી:
હું ઉકેલાઉં નહીં, એવું ઉખાણું જોઈએ.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #જરૂરિયાત #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #Needs #LifePhilosophy #ParagRatanpara