જિંદગી, તું કમાલ
જિંદગી, તું તો કમાલ કરે છે, કમાલ રે,
ક્યારેક આપે ગુલાલ ને ક્યારેક આપે સવાલ રે.
સવારે હાથમાં સૂરજ મૂકે, સાંજે લઈ લે પાછો,
ઘડીક ઝૂલો, ઘડીક ઝટકો, ઘડીક કડવો-ખાટો;
હસતાં હસતાં આંખ ભીંજાવે, એવી તારી ચાલ રે…
જિંદગી, તું તો…
જેને માગ્યું એ ના આપ્યું, ને આપ્યું જે ન માગ્યું,
ખોવાયું ત્યાં ખજાનો જડ્યો, ને જડ્યું ત્યાં ખોવાયું;
ગણતરી કરવા બેસું તો તું બદલી નાખે સાલ રે…
જિંદગી, તું તો…
પરાગ કહે: તું ફૂલ પણ છે ને કાંટો પણ સાથે,
મ્હેક લેવી હોય તો થોડું લોહી આપવું હાથે;
તોય તને હું ચાહું છું, તું મારું મોંઘું વ્હાલ રે…
જિંદગી, તું તો…
– પરાગ રતનપરા