← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝરમરિયાં સંભારણાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝીણી ઝીણી ઝરમર વરસે, સાંભરે તારી વાત,
આંખ્યુંમાં પણ ઝરમર ઝરમર, આખી ભીની રાત.

નેવાં નીચે ઊભાં'તાં આપણ, એક જ ઓઢણી ઓઢી,
વીજળી ચમકી, તું વળગી'તી, વાત ગામે ગોઠી;
એ ઓઢણી હજી કબાટે, ભીની એની ભાત…
ઝીણી ઝીણી…

કાગળની હોડી તરતી'તી, ફળિયું આખું દરિયો,
તું હસતી, ને હું ભીંજાતો, ભીનો એ શ્રાવણિયો;
હોડી ડૂબી, ફળિયું સૂકું, રહી ગઈ બસ યાદ…
ઝીણી ઝીણી…

પરાગ કહે: આ વરસાદ દર વરસે પાછો આવે,
પણ જે ગયું એ ના આવે, એ તો મન સમજાવે;
છત્રી ખોલું, બંધ કરું, ને ભીંજું આખી રાત…
ઝીણી ઝીણી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખફરીથીઆગલો લેખ →ખેડૂત