ઝરમર ઝરે
તું નથી, તોયે અહીં તો રાતની ઝરમર ઝરે,
ઓરડે ને ઓસરીએ વાતની ઝરમર ઝરે.
બ્હાર જઈ છત્રી ધરું, પણ ભીંજવે ભીતર સુધી,
રોમ રોમે આજ મારી જાતની ઝરમર ઝરે.
આંગણે પૂરેલ બાનો સાથિયો ધોવાઈ ગ્યો,
રંગ ભીના થઈ ગયા, ને ભાતની ઝરમર ઝરે.
ખેતરે વરસાદમાં હળ હાંકતા મારા પિતા,
આજ પણ સ્મરણે અમારા તાતની ઝરમર ઝરે.
આ પરાગે જ્યાં ધરાની મ્હેક ઝીલી શ્વાસમાં,
ત્યાં જ મીઠા હેતની, એ માતની ઝરમર ઝરે.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #સ્મૃતિ #માતાપિતા #ભીનાશ #પરાગરતનપરા
#GujaratiGhazal #RainOfMemories #Drizzle #Parents #Nostalgia #ParagRatanpara