ઝાંઝવે
રેતમાં દોડ્યા કરું છું, સાવ પ્યાસો ઝાંઝવે,
ને હરણ જેવો મળે છે રોજ ઝાંસો ઝાંઝવે.
બળબળે છે પાય, ને આંખો હવે ઝાંખી પડી,
તોય આપે છે જરા તો એ દિલાસો ઝાંઝવે.
કોઈ પૂછે, કેમ આખી જિંદગી દોડ્યો હતો?
રેત પરનાં ચિહ્ન આપે છે ખુલાસો ઝાંઝવે.
સાધનો, નકશા, દિશાઓ લઈ ઘણા આવ્યા અહીં,
અંતમાં અટકે બધા, આ સૌ પ્રવાસો ઝાંઝવે.
આ પરાગે જિંદગીભર એટલું જાણ્યું ખરું,
આપણે સૌ ઝાંઝવાના, ને નિવાસો ઝાંઝવે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઝાંઝવાં #મૃગજળ #તૃષ્ણા #રણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Mirage #EndlessChase #Desire #Desert #ParagRatanpara