ઝાકળ કોણ બાંધે
ઝાકળને મુઠ્ઠીમાં કોણ બાંધે રે, સૈયર, ઝાકળને મુઠ્ઠીમાં કોણ બાંધે?
પવનને પાલવમાં કોણ સાંધે રે, સૈયર, પવનને પાલવમાં કોણ સાંધે?
કળીને ગલીપચી કરીને કોઈ ફૂલ થોડું ખીલવે?
મોરને ટહુકાનો પાઠ ભણાવી કોઈ રાગ ઝીલવે?
વાદળને કોણ ખીલે બાંધે રે…
ઝાકળને મુઠ્ઠીમાં…
નદીને વાળી ઘરમાં લાવો, તો એ ખાબોચિયું થાય,
ચાંદને પકડી પિંજરે પૂરો, તો અજવાળું મૂરઝાય;
કુદરત તો પોતાને સાધે રે…
ઝાકળને મુઠ્ઠીમાં…
પરાગ કહે: આ ફૂલની મ્હેક પણ કોઈના બાપની નહીં,
હાથ ખોલો તો આખું આભ, બાંધો તો કાંઈ નહીં;
મળે એ જે કશું ના માગે રે…
ઝાકળને મુઠ્ઠીમાં…
– પરાગ રતનપરા