જીવી ગયો
આંખમાં ઊગી હતી એ આગને જીવી ગયો,
બાપ જેવા એક ઝીણા ત્યાગને જીવી ગયો.
આંગળી ચીંધી ભલે ને લોક સૌએ, તોય હું
ચાંદ પેઠે હું ય મારા ડાઘને જીવી ગયો.
ના હતી શરણાઈ, ના વાજાં, ન તાળી કે ન દાદ,
વેદનાના એક ભીના રાગને જીવી ગયો.
શંભુ જેવો તો નથી, પણ ઝેર પીધું છે ઘણું,
ને ગળે વીંટેલ જાણે નાગને જીવી ગયો.
ફૂલની પેઠે ‘પરાગે’ ખીલવું ખરવું સદા,
એક ક્ષણમાં હું જનમના બાગને જીવી ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવન #સહનશીલતા #ત્યાગ #સ્વીકાર #પરાગરતનપરા
#GujaratiGhazal #LivingFully #Endurance #Sacrifice #Acceptance #ParagRatanpara