જીવે છે અહીં
પત્ર જૂનો ખોલતાં ત્યાં સાદ જીવે છે અહીં,
પાનની પીળાશમાં પણ યાદ જીવે છે અહીં.
બા અથાણું મોકલે, ખૂટે, છતાં બરણી તણો
ઢાંકણે ચોંટી રહેલો સ્વાદ જીવે છે અહીં.
ઘર ગયું, દાદા ગયા, પણ રાતના હું સાંભળું,
ઓસરીમાં લાકડીનો નાદ જીવે છે અહીં.
પત્રમાં તેં મોકલેલું મોરપીંછું’તું, પ્રિયે,
એ જ પીંછે આજ પણ વરસાદ જીવે છે અહીં.
આ ‘પરાગે’ બાળપણમાં જે ગઝલ વાંચી હતી,
આજ પણ કાને પિતાની દાદ જીવે છે અહીં.
– પરાગ રતનપરા
#ગઝલ #જૂનાપત્રો #સ્મૃતિ #પરિવાર #વિરાસત #પરાગરતનપરા
#GujaratiGhazal #OldLetters #Memories #Family #Legacy #ParagRatanpara