જીવતી કવિતા
તું જીવતી કવિતા છે, તને વાંચ્યા કરું,
પાને પાને પલળી જાઉં, ને ફરી ફરી આંજ્યા કરું.
તારી આંખો પ્રાસ જેવી, બોલે મીઠો લય,
તારું હસવું રદીફ જેવું, વળી વળી આવે સમય;
તારા મૌનના હાંસિયામાં હું અર્થો ગાંઠ્યા કરું…
તું જીવતી કવિતા…
ક્યાંક તું ગીત, ક્યાંક ગઝલ, ક્યાંક સાવ અછાંદસ,
તને લયમાં બાંધવા બેઠો, તો થઈ ગયો હું પરવશ;
પંક્તિ પંક્તિ તને સાંભળું, ને જાતને સાંધ્યા કરું…
તું જીવતી કવિતા…
પરાગ કહે: આ કાવ્યનો કદી ના આવે અંત,
છેલ્લું પાનું ફેરવું ત્યાં તો ફરી ખીલે વસંત;
આખી ઉંમર એક જ પુસ્તક, તને જ માંડ્યા કરું…
તું જીવતી કવિતા…
– પરાગ રતનપરા