જીવતર છે ભાઈ
ક્યારેક તડકો, ક્યારેક છાંયો, ક્યારેક ઝરમર ઝરમર,
જીવતર છે ભાઈ, ચાલ્યા કરશે, ના કર એની ફિકર.
દૂધ ઊભરાય, ચા ઢોળાય, બસ ચૂકી જાય સવારે,
બૉસ બગડે, ટાયર ફાટે, વરસાદ પડે ત્યારે;
હસી નાખજે, આવા દિવસે વધુ મીઠી લાગે સફર…
ક્યારેક તડકો…
કોઈ મળે ને કોઈ છૂટે, કોઈ રિસાઈ બેસે,
કોઈ ખભે માથું મૂકીને રાતભર રોઈ બેસે;
દરેક ઘાવની પાછળ ઊગે એક નવી નજર…
ક્યારેક તડકો…
પરાગ કહે: આ જીવતર તો છે ખાટી-મીઠી કેરી,
ચૂસી લે રસ, ગોટલો ફેંકી, થઈ જા મસ્ત લહેરી;
કાલની ચિંતા કાલ કરીશું, આજે તો છે સુંદર…
ક્યારેક તડકો…
– પરાગ રતનપરા