સાચું કહું?
અંગ્રેજ તો ચાલ્યા ગયા, પણ રાજ છે, સાચું કહું?
ટોપી ધવલ, ખાદી ધવલ, પણ તાજ છે, સાચું કહું?
ખસતી નથી અરજી કદી, ‘ખર્ચો’ વિના સરકારમાં,
લેનાર ને દેનારને ક્યાં લાજ છે, સાચું કહું?
વરસાદમાં બે દિવસમાં ધોવાઈ ગઈ સડકો નવી,
રસ્તા ફરી બનવા તણું આ કાજ છે, સાચું કહું?
ઝૂંપડપટી પર ચક્કરો મારે ગગનમાં કો' સતત,
પીંછાં ધરી ઉદ્ધારનાં, જે બાજ છે, સાચું કહું?
છાપાં ન છાપે, મંચ પર બોલાવશે ના, ઓ ‘પરાગ’,
કાલે ભલે જેલે પુરે, તો આજ છે, સાચું કહું?
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ભ્રષ્ટાચાર #રાજકારણ #સત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #PoliticalSatire #Corruption #Bureaucracy #SpeakTruth #ParagRatanpara