← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જશોદા, તારો કાનો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જશોદા, તારા કાનાને સમજાવ રે, મા,
રોજ મારગડે ઊભો રહી કરે નવો દાવ રે, મા.

જમના ભરવા જાઉં, ત્યાં તો કાંકરી મારે ઘડે,
ફૂટે ઘડો, ને ભીંજે ચૂંદડી, ને એ ખડખડ હસે;
સાસુ પૂછે: ‘ક્યાં રોકાઈ?’ — શું આપું જવાબ રે, મા?
જશોદા, તારા…

માખણ ચોરે, મટુકી ફોડે, ને તોય લાગે વ્હાલો,
વાંસળી વાગે ને મારું મન થઈ જાય એનો પ્યાલો;
ફરિયાદ કરવા આવી, પણ ભૂલી ગઈ હું દાવ રે, મા…
જશોદા, તારા…

પરાગ કહે: આ ફરિયાદ નથી, આ તો પ્રીતનું બહાનું,
રોજ ઠપકો દેવા આવે, જોવા એનું મોઢું નાનું;
જશોદા હસે, ને ગોપી ગાય: ‘ફરી ફરી સતાવ રે, મા!’
જશોદા, તારા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકાગળ ઉપરઆગલો લેખ →દોસ્ત છે