જમાનો ગયો
હતો બાળપણનો જમાનો, ગયો,
ખિસાનો લખોટી-ખજાનો ગયો.
ગલીમાં હતો રેડિયો વાગતો,
રફીનો, મુકેશી તરાનો ગયો.
હતો તાકતો જે ઝરૂખો સદા,
પ્રણયનો અબોલો દિવાનો ગયો.
હવે ઘૂંટણે દર્દ, ઝાંખું બધું,
હતો દોડતો, એ જવાનો ગયો.
પરાગે ગઝલમાં સમય ઝીલવા
મથામણ કરી, પણ ઘરાનો ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #સમય #ઉંમર #બાળપણ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #PassageOfTime #BygoneEra #Ageing #Nostalgia #ParagRatanpara