← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જળમાં દીઠું કોણ?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૂવે બેડું ભરતાં ભરતાં, જળમાં દીઠું કોણ?
માછલીની આંખ જેવી વીંધાઈ, હું તો થઈ ગઈ મૌન.

પાછળ ઊભો ગામનો છેલો, હાથે ના ધનુષ-બાણ,
તોય નજરનું તીર વછૂટ્યું, ગઈ ધબકારે તાણ;
દોરડું છટક્યું, બેડું ડૂબ્યું, ઝાલું હવે હું કોણ?…
કૂવે બેડું ભરતાં…

મા પૂછે: ‘કાં ખાલી બેડે આવી, દીકરી, ઘેર?’
કેમ કહું કે કૂવે મેં તો ભરી અમરત લ્હેર;
આંખે જળ ને હોઠે મલકાટ, પરખે એવું કોણ?…
કૂવે બેડું ભરતાં…

પરાગ કહે: આ પ્રેમનું તીર તો ઊંધું ઊંધું ચાલે,
તાકો આભે, વાગે જળમાં, વીંધે બીજે ગાલે;
અચરજ એનો સહજ સ્વભાવ, એને રોકે કોણ?…
કૂવે બેડું ભરતાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમાના હાથઆગલો લેખ →ઉજવણી છે