જડે છે
રખડતા રહે, તો ખજાના જડે છે,
ઘરે બેસનારા, બહાના જડે છે.
હવામાં ઝુકાવે ભલે પાંખ નાની,
નવું આભ, નવલા તરાના જડે છે.
હતા પ્રેમપત્રો, ન દાદા, ન દાદી,
મને ટ્રંકમાંથી પુરાણા જડે છે.
ગણિત જિંદગીનું ઉકેલું જરા તો,
જવાબે જવાબે ઉખાણા જડે છે.
‘પરાગે’ ગુલાબો ઉઘાડ્યાં સવારે,
ભ્રમર-ઝુંડ જેવા દિવાના જડે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #સાહસ #તક #સ્મૃતિ #જીવન #પરાગરતનપરા
#GujaratiGhazal #Adventure #Opportunity #Wanderlust #LifesRiddles #ParagRatanpara