જાગૃતિ
ઘણા વખતથી
મને ઊંઘ નથી આવતી.
ડૉક્ટરે કહ્યું:
‘ચિંતા ઓછી કરો,
ફોન દૂર રાખો,
ચા બંધ કરો.’
મેં બધું કર્યું.
તોય ઊંઘ નહીં.
એક રાત્રે
બારી પાસે બેઠો,
તો જોયું —
ચોકીદાર જાગે છે,
ચાંદો જાગે છે,
ને ગલીના નાકે
એક કૂતરું
આખી રાત
કોઈની રાહ જુએ છે.
ત્યારે સમજાયું:
હું એકલો જાગતો નથી.
બીજી રાત્રે
હું
સૌને ‘શુભ રાત્રિ’ કહીને
ઊંઘી ગયો.
– પરાગ રતનપરા