ઇકતારો
બધું છોડી, ભભૂતી લઈ, ત્યજી સંસાર, ઇકતારો,
વગાડે ગામને ગોંદર, તરાવે પાર ઇકતારો.
ન ગ્રંથો, ના કથાઓ, ના ભભકતા મંચના ઝગમગ,
હૃદયની સાથ જોડાયો, કરે ઝંકાર ઇકતારો.
ભલે ઝોળી રહી ખાલી, ભલે ભૂખ્યું ગયું ટાણું,
ઉઘાડે તો ય ભીતરમાં ખુદાનું દ્વાર ઇકતારો.
ભણેલા પંડિતો હસતા: ‘ન એને રાગ, ના લય છે’,
રડાવે તોય સૌને, એ ભલે લાચાર ઇકતારો.
પરાગે જીવવાનો મર્મ પામ્યો એક તારેથી,
ન ગૂંચાજે ઘણા તારે, કહે છે સાર ઇકતારો.
– પરાગ રતનપરા
#ગઝલ #ઇકતારો #ફકીર #સૂફી #સાદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #Ektara #Mystic #SufiSoul #OneString #ParagRatanpara