ઇચ્છાનું પતંગિયું
ઇચ્છાનું પતંગિયું ઊડે, હું પકડું ત્યાં છટકે,
આંગણથી આંબા લગી, ને આંબાથી ઊડી અટકે.
ચૂંદડીનો છેડો લઈ દોડું, ઝાંઝર રણઝણ વાગે,
પતંગિયું તો હસતું હસતું ફૂલે ફૂલે ભાગે;
જેમ જેમ હું પાસે જાઉં, એમ એમ એ સટકે…
ઇચ્છાનું પતંગિયું ઊડે…
મા કહે: ‘દીકરી, ઘેલી થઈ? આ તો રંગની માયા,’
દાદી કહે: ‘પકડાય નહીં, એ ઇચ્છાની છાયા’;
સૈયર બોલી: ‘થંભી જા, તો આવી બેસશે નટખટે…’
ઇચ્છાનું પતંગિયું ઊડે…
પરાગ કહે: જે દોડે, એનું ભાગ્ય સદા ભટકે,
જે ઠરીને ખીલે ફૂલ, ત્યાં પતંગિયાં આવી લટકે;
ઇચ્છા પાછળ દોડ નહીં, ખીલ, તો આવે ઝટકે…
ઇચ્છાનું પતંગિયું ઊડે…
– પરાગ રતનપરા